58 - રાણાજી ! અમે મેવાડી મીરાંની નાતનાં / મધુમતી મહેતા


રાણાજી ! અમે મેવાડી મીરાંની નાતનાં,
રાણાજી ! અમે ટહુકા પણ પીડાની જાતનાં.

આંખે ઊઘડે છે હવે સૂની સવાર,
અને ડાળે ગુલાબ કેરો ગોટો;
મંદિરની ઝાલરનાં મોતી વિણાય નહીં,
લટકાવી કાનજીનો ફોટો;
રાણાજી ! અમે ખળખળતા ઝરણાના પ્રાંતનાં,
રાણાજી ! અમે મેવાડી મીરાંની નાતનાં.

જંગલમાં જેમતેમ ઊગ્યાં છે થોર,
એમાં મોરલીના સૂર કેમ ભાળું ?
ખુલ્લાં મેદાન મને તેડાવે રોજ રોજ,
ક્યાં લગ હું કહેણ એના ટાળું ?
રાણાજી ! અમે ટળવળતા હરણાની ભાતનાં.
રાણાજી ! અમે મેવાડી મીરાંની નાતનાં.

ગઢ રે ગિરનાર તણી ટોચે ચડીને અમે,
સળગાવ્યાં ઇચ્છાનાં તાપણાં;
પાણી વચાળ રહ્યાં કોરા બપોરે તે,
પાણીને થઈ ગ્યાં અળખામણાં;
રાણાજી ! અમે ના રહ્યાં દિવસનાં ના રાતનાં.
રાણાજી ! અમે મેવાડી મીરાંની નાતનાં.


0 comments


Leave comment