0 - એક પણ કાગળ બચ્યો નહિ આખરે / મધુમતી મહેતા


એક પણ કાગળ બચ્યો નહિ આખરે,
નામતારું મેં લખ્યું રુદ્રાક્ષરે.

સાંકળોનું ખુલવું ઝાલર બને,
એમ ક્યારે આવશો આ ડાયરે?

કોઈ ના આવ્યું અને ઉડી ગયો,
કાગડો બેઠો હતો જે છાપરે.

એક નાનકડું ઝરણ અંકે કરું,
એટલા અશ્રુ હશે કંઈ આશરે.

શ્વાસ પરપોટા ફૂટું ફૂટું અને,
આ તરફ ઈચ્છાય કેવી પાંગરે.

એ સમયના જળ ઉપર તરતી રહી,
છાપ જે છોડી હતી હસ્તાક્ષરે.

હું અને શબ્દો છીએ દેવળિયાં,
તોય ઉઘરાણી કરી છે સાક્ષરે.

થઈ ગયા કે થઈ શક્યા જે કંઈ અમે,
સાવ ઊલટું નીકળ્યું જન્માક્ષરે.

ધૂળ પણ પહોંચી ગઈ આકાશમાં,
ને ભજન મ્હેતા કરે છે પાંજરે.


0 comments


Leave comment