59 - જેમ પવનની સંગાથે આ રજકણ આભે અડિયા જી / મધુમતી મહેતા


જેમ પવનની સંગાથે આ રજકણ આભે અડિયા જી,
એમ અમે પણ તારા નામે જન્મારાને તરિયા જી.

કોઈ કહે કે જુગ જુગ જૂનાં લેણદેણ કંઈ ફળિયા જી,
બંધ નયનને મેઘધનુષી સપના જેવું મળિયા જી.

અમે થોરિયા જેવા, રણમાં કાંટે કાંટે મહોર્યા જી.
એવું હળવું સ્પર્શ્યા અંદર જીવ થયા ઝળહળિયા જી.

જાત તૂટી જંજાળ છૂટી ને ખળખળ થઈને વહિયા જી,
કેસૂડે કૈં પાલવ ભરિયા ફાગણ ફાગણ ફળિયા જી.

નહીં ટાંકણે નહીં હથોડે નહીં ચાકડે ચડિયા જી,
નેહનજરથી કુમળું કુમળું અમને એણે ઘડિયા જી.


0 comments


Leave comment