0 - કોમલ સુરોની જાણે લગાવટ સમું હતું / મધુમતી મહેતા


કોમલ સુરોની જાણે લગાવટ સમું હતું,
વાતાવરણ બધુંય ઈબાદત સમું હતું.

આવ્યા સજીધજીને રદીફો ને કાફિયા,
તારી ગઝલ હતી ને જમાવટ સમું હતું.

એના બયાનમાં છે સમજ ને સચોટતા,
ને મારું મૌન એક સજાવટ સમું હતું.

જંગી મહાલયે ઊભી છે સ્તબ્ધ જિંદગી,
તૂટેલ ઝૂંપડીમાં વસાહત સમું હતું.

નીચી નજર ને મૌન ધરીને ભલે ઊભા,
અંદાજમાં કશુંક કયામત સમું હતું.

એકાક્ષરી જવાબ બધા પ્રશ્નનો હતો,
એકાક્ષરે બધીય છણાવટ સમું હતું.

સિક્કાઓ મારા શ્વાસના બધા ખૂટી ગયા,
બસ દર્દ એક તારી અમાનત સમું હતું.

ધ્યાનસ્થ છે સમુદ્ર, હવાઓ અને ગગન,
ત્યાં આસપાસ કંઈક તથાગત સમું હતું.


0 comments


Leave comment