10 - એવાં થડકે રે….. / સંજુ વાળા


એવાં થડકે રે થડકારે ઋજુ સંવેદન મર્માળુ
આવે અંધારાની ઓથે એને પાંપણ વચ્ચે પાળુ
મારાં સંવેદન મર્માળુ

“આંગળિયો ઝંખે છે ઉન્માદી લીલ્લોછમ સ્પર્શ :
મારા રાયવર !
નેવાંની ધારેથી દડતો ઉજાગરાનો અર્થ :
મારા રાયવર !
ખરતાં ગુલ્મ્હોરોથી સગપણ ભીના ભણકારા પંપાળું
મારાં સંવેદન મર્માળુ

“વ્હાલભર્યું નામ છેક હોઠ સુધી આવીને ગુમ :
મારા રાયવર !
નીતરતી આખ્ખાયે અંગેથી ફાળભરી બૂમ :
મારા રાયવર !
અઢળક સામે આવી ઊભી કોડીલ ઈચ્છાઓ લજ્જાળું
મારાં સંવેદન મર્માળુ.


0 comments


Leave comment