3 - એક ઝાલું ત્યાં – / સંજુ વાળા


એક ઝાલું ત્યાં તેર વછૂટે....
અણધાર્યું કોઈ ગીત વીંધીને
લોહી વીંધીને જાય ઘસાતું પગ અંગૂઠે

રસબરીનાં નીતર્યા છાંયે
બેસતાં લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર– જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી
જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે

ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગરાગિણી થઈને લીલી નદીઓ વહે
રાગ લપેટું – રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચઢાવું, સદીઓ વહે
કેટલી ઝીલું ઝીંક ! ઝિલ્લારે
આંખ સલામત રહી જતી ને દેખવું ફૂટે.


0 comments


Leave comment