33 - સખીરી – ૫ / સંજુ વાળા


પળનો સંદર્ભ લઈ જન્મેલી વારતા !
સખીરી, હું પળનો સંદર્ભ લઈ જન્મેલી વારતા !

શો કેઈસની ચકલીમાં પરગટતી પાંખ અને
પાંખમાંથી પિચ્છ એક્ ખરતું
અચરજની આલબેલ રણઝણતી એવી કે,
ચકલીથી લોક સૌ ડરતું
પાંખોના પોલાણે પાળેલા ફડકાને
ફાનસનાં અજવાળે ધારતા
સખીરી, હું પળનો સંદર્ભ લઈ જન્મેલી વારતા

ઘટનાનું નામ પડે ચપટીભર સુખ પછી
અંત વિશે લાખ થતી ધારણા
ધારણાનાં બંધાયેલ તોરણ રે લીલ્લેરાં
લળી લળી લેતા ઓવારણાં
ઓચિંતી ઊગેલી વાયકાનું સ્તૂપ, મને
વાસ્તવમાં શાને કંડારતા ?
સખીરી, હું પળનો સંદર્ભ લઈ જન્મેલી વારતા.


0 comments


Leave comment