12 - ગીત મરસિયા / સંજુ વાળા


સૂમસામ સન્નાટો પહેરી લખલખવું ચોધાર : બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર : બલમજી

ખરેડે ઘરનાં ટોડલા ખરતાં મેડી – માઢ
રે કડકડતી ટાઢ, ખમવી કિયા ખંતથી ?
પેલ્લી મારી રાતી ચટ્ટક ચુંદલડી અંગાર : બલમજી
સેંથીનાં ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર : બલમજી
સૂમસામ સન્નાટો પહેરી લખલખવું ચોધાર : બલમજી

ઊછરે ઝાંખપ દીવડે કાળી બલ્લક ભીંત
ચગડોળાતું ચિત્ત, આંખ ગેરવતી ઓરતા
નાયગરાનો ધોધ હીબકા સૂનકારો ધબકાર : બલમજી
આંસુનું ચૂકવણું લઈને કરવા કારોબાર : બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર : બલમજી.


0 comments


Leave comment