7 - અસમંજસનું ગીત / સંજુ વાળા


સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ
ઉગમણેથી.......આથમણેથી
આલ્લાંલીલ્લાં પાથરણેથી
સીમ ભરીને લાવ્યું કોઈ ઉચાટ

હાથવેંતનાં પગપગથારે લજામણીમન રમતું અડકો-દડકો
થડકારો ચૂકીને ઝીલ્યો પાંચિકાને બદલે કાચો તડકો
અહીંથી ઝાલો...તહીંથી ઝાલો
આરપાર અટકળથી ઝાલો
નવતર જાગ્યો ખરી પડે ફફડાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ

કૈ વરસે ભાળેલી પળનાં તળિયે ઊમટે મૂંઝારાનું વ્હેણ
નોધારા ચકરાવા લેતાં મનને વાગે ઠેસ, ચડાવે ફેણ
આઘા ડૂબે...ઓરા ડૂબે
ધોધમાર હેલ્લારા ડૂબે
ફીણ ફીણ થઈ ફેલે રે.. ચચરાટ
સ્પર્શ આંધળી આંગળીઓમાં સળવળતો થરકાટ.


0 comments


Leave comment