38 - જાળમાં પ્રસરી જવું / સંજુ વાળા


પર્યાયવાચક નામની ઘટમાળમાં પ્રસરી જવું
ઉર્ફે બનીને ઘટ્ટ જળવત જાળમાં પ્રસરી જવું

મારી ક્ષણેક્ષણમાં શ્વસે છે સંશયી પ્રસરી જવું
પર્યાપ્ત તારું સર્વ રીતે કાળમાં પ્રસરી જવું

લઈ વાયકાનું રૂપ ઊડે ખાનગી પ્રસરી જવું
ત્યારે જ આ ચર્ચાય છે પરસાળમાં પ્રસરી જવું

તું ક્યાં સુધી સંક્ષુબ્ધ થઈ જોયા કરીશ પ્રસરી જવું
ઝટ કર ! હવે ખિસ્સે ભરી લે ઢાળમાં પ્રસરી જવું

રંગોમાં ઓગળતું પ્રથમ સમભાવરત પ્રસરી જવું
ધારણ પછી કરતી સફેદી વાળમાં પ્રસરી જવું.


0 comments


Leave comment