5 - ગાંજાનો છોડ / સંજુ વાળા


ગાંજાનો એક છોડ ફૂટ્યો રે..... ફળિયે
પાન – પાનમાં કેફ ઝૂલતો
જોઈ – જોઇ ને છળીએ
ગાંજાનો એક છોડ ફૂટ્યો રે..... ફળિયે

ગામતરેથી પાછા વળતાં છેડે બાંધી
લાવ્યા ખાખી અવધૂતનાં અખ્ખાડામાંથી ધૂળ
ધૂળ વિશેની અણસમજણમાં ફળિયા વચ્ચે
ખૂબ ઝાટકી દીધું રે પટકૂળ......
રહી ગાંઠની કરચલીઓ
અંકાતી રે..... પાંસળીએ
પાન–પાનમાં કેફ ઝૂલતો જોઈ–જોઇ ને છળીએ

વેંત એકનો છોડ – પાંદડા હમચી ખૂંદે
છાયા એના ઉંબર લગ ડોકાય એટલા આઘા
આડશ ઓથે વહેતા ભરચક ભાદરવાનાં
કોરે કમખે કેમ પરોવું ડાઘા..... ?
કેમ કરી ઉગાડું ઠાલા
અણસારા આંગળીએ
પાન–પાનમાં કેફ ઝૂલતો જોઈ–જોઇ ને છળીએ.


0 comments


Leave comment