54 - તથ્યનાં ચરુ / સંજુ વાળા


ગઈકાલ આજથી હજુ બિલકુલ નજીક છે
પરછાંઈ ‘ને પરગટ બધું બિલકુલ નજીક છે

જાસો મળ્યો છે મીણવત આદિમપણા વિશે
તું આવ ‘ઓગળી જવું’ બિલકુલ નજીક છે

રોમાવલિ સજી – ધજી તૈયાર થઈ રહી
બરછટ હવાનું સ્પર્શવું બિલકુલ નજીક છે

હા, ધૂળ મારું નામ ‘ને ચહેરો ય ધૂળ છે
અલબત્ત, આગવાપણું બિલકુલ નજીક છે

છે એક હાથ ચરમાં બીજો ખોળતો અચર
અકબંધ તથ્યનાં ચરુ બિલકુલ નજીક છે

ઉન્મેષની પ્રબળ છટા પ્રકટી છે માત્ર આ
એથી ય આગવું ઘણું બિલકુલ નજીક છે.


0 comments


Leave comment