14 - આછરતો ભૂખરો ઉઘાડ / સંજુ વાળા


પાતળી સંવેદનામાં પડતી તિરાડ.....
ડહોળા ખાબોચિયામાં તળિયે ધરબાઈ જવું
પામીને આછરતો ભૂખરો ઉઘાડ

બારી ખૂલે ‘ને બંધ ઓરડાની અકળામણ
દદડી’ને શેરીઓમાં થઈ જાતી રેલો
છેલ્લા વળાંક ઉપર સોડતાણી સૂતેલા
પાગલ પર રાત આખી ગુલમ્હોર વરસેલો

નામઠામ શહેરનું આ પૂછીએ તો –
કાનમાં આવી’ને કોઈ ધીમેથી બોલ્યું : ‘મેવાડ...’
પાતળી સંવેદનામાં પડતી તિરાડ.....

પાંખ જેમ વળગેલી બીક લઈ ઊડી ગયાં
પંખીઓએ સંકેલી લીધો કિલ્લોલ
ઘઉંનાં દાણાથી ફાટફાટ મારી મુઠ્ઠીઓ
લાગતી રે વલવલતી ખાલી બખોલ
સમળીનાં ચકરાવે કેવું નિશાન હશે ?
કોણ? ક્યા છાપામાં છાપશે આ ધાડ..?
પાતળી સંવેદનામાં પડતી તિરાડ.....


0 comments


Leave comment