47 - ઊંડાણ કોણ ખોતરે ? / સંજુ વાળા


આ રાતની ત્વચા ઉપર તું સ્વપ્નની સહી કરે
સૂમસામ પાંપણો તળે એ દ્રશ્ય જો હરે – ફરે

મારી દરેક રાત સળગે સોડિયમ પ્રકાશથી
‘ને ભગ્ન જાળિયામાં એક દીવો બળે સમાન્તરે

હું મોરપિચ્છ નું કરું કેવી રીતે પૃથક્કરણ
પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે

ચર્ચાને તીક્ષ્ણ ન્હોર હોવા જોઈએ નહીં તો આ –
પડતર બનાવનું અહીં ઊંડાણ કોણ ખોતરે ?

દિવસોથી એક દૂરતા – આવી વસી છે ઊંબરે
એવું બને કે એ હવે આકંઠ આવી ઊછરે.


0 comments


Leave comment