32 - સખીરી – ૪ / સંજુ વાળા


કંકુમાં ઝબકોળું હાથ ત્યાં તૂટી પડે ઘરની પછીત અને નેવાં
સખીરી, કહો થાપાનાં નામ કેમ લેવા ?

મંદિરની પગથારે વાગેલી ઠેસ વિશે
લોકોમાં ચર્ચાતો શંકાનો લય
શ્રીફળ ‘ને ચોખામાં ધ્રુજારી અવતરતી
ઊંડળમાં ઊઘડતો ધારદાર ભય
વાચાને વળગ્યું રે ડૂમાંનું ભૂત અને તરફડતા હિલ્લોળ પારેવા
સખીરી, કહો થાપાનાં નામ કેમ લેવા ?

સંશય તરબોળ હાથ દીવો લઈ નીકળતા
શોધવાને વિખરાયા અવસરના હાલ
ઝાકળિયા સંદેહે પડખામાં નીઘલતો
પરદેશી બાવળનો લીલોકચ્ચ ફાલ
લોહીઝાણ ભાંભરડે છલકાતું આભ જોઈ ભમ્મરિયે ડૂબવાના હેવા
સખીરી, કહો થાપાનાં નામ કેમ લેવા ?


0 comments


Leave comment