50 - લાગુ ઝળળ ઝળળ / સંજુ વાળા


ઊંડાણથી તપાસ - આંખોનું પ્રવાહી તળ
થોડાં કમળ પછી તને મળશે નર્યા વમળ

પથરાળ ભોમ છું, કશું ઊગી નહીં શકે
તું ક્યાં સુધી ચલાવશે આ શક્યતા’ળું હળ

મુઠ્ઠી ભરીને દૃશ્ય એક લાવ્યો છું ત્યારથી
નર્વસ રહે છે નભ- દિશાઓ લાગતી સજળ

બારી બહાર બૂમ મારા નામની ઊઠે –
ને ઓરડામાં હું મને લાગું ઝળળ ઝળળ

આ હાંફતા અવાજનાં સમ્બન્ધથી અલગ
મૂકી શકાય શ્વાસ જ્યાં એવું બતાવ સ્થળ.


0 comments


Leave comment