41 - નખ વધેરી નાખવા / સંજુ વાળા


રે ! જડભારત ચરણો તળે રસ્તા નીકળતા ચાલવા
કોની હકૂમતથી અહીં નિયમો પ્રવર્તે છે નવા

નસનસમાં વ્હેતી ધુમ્મસી આકૃતિઓ ઉપસાવવા
સંયોગ ગૂંથી સોઈમાં ત્રોફાવીએ રે....... ત્રાજવાં

અક્ષૌહિણી ઝાંખ સતત પડકાર ફેંકે આગવા
હે દર્ભવીરો ! દર્ભનાં આયુધ ના ઉપાડવા

તરસે મરેલા એક દરિયા શા પૂર્વજની યાદવશ
માથું છુપાવી રેતમાં તર્પણ કરે છે ખારવા

સૌથી અલગ રીતે અહિંસક થઈ જવું સ્વીકારીએ
(તો) રોજ ઊઠીને વધેલા નખ વધેરી નાખવા

તરડાયેલી ગઈકાલ કોની જાંઘનો વલુરાટ છે
છાપાળવી ફુરસદ લઈને નીકળ્યો છું શોધવા.


0 comments


Leave comment