11 - ઓળધોળ ડહોળાતાં કારણ / સંજુ વાળા


સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ
છમ્મકછમ પગલાંની આંધી રે ઊઠી કે
ઘુમ્મરિયે આખ્ખું યે આંગણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

ઊંડે રે ઊંડે થી સંભળાતી શરણાયું
ધ્રિબાંગ – ધ્રિબાંગ મન નાચે
આડશમાં બારણાની ઊભી રહી એકલડી
કોરાકટ કાગળિયા વાંચે
ખરબચડાં સ્પંદનમાં છળી ઊઠી છાતી તે
ઝરમરતો આરપાર શ્રાવણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

તોફાને ચડ્યું હોય અષાઢી આભ
એન મનમાં રઘવાટ ના મા ‘ તો
ડેલીની ભીડેલી ભોગળને કોણ જાણે
આંખ સાથે કેવો છે નાતો
બારસાખે ચોડેલા ચાકળાનાં આભલાંમાં
છલ્લોછલ છલકાતાં કામણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ.


0 comments


Leave comment