71 - વણઝારા…..રે / સંજુ વાળા


ઉપડ્યા લઈને ક્ષિતિજની પાર એવા સ્થળ વિશેની શોધ ઓ વણઝારા.....રે
કહેણરી બચકી ઉપર લાદી નવસ્ત્રી વ્યંજનાવત પોઠ ઓ વણઝારા.....રે

રાવટી સાથે ઉખાડયાં ઋણની મુઠ્ઠી ભરી મેં છાતીએ ચાંપી લીધી
તું ખીલે વળગી રહેલી ધૂળ લઈને જીવમાં સંગોપ ઓ વણઝારા.....રે

તરકટી તંબૂરથી વરસી પડેલું ભાન સવ્વાલાખનું પહેરી અને
દૂ...રનાં એંધાણમાં આવેશમય ગળતું જતું આ કોણ ? ઓ વણઝારા.....રે

કઈ દિશાનું આજ ખુલ્યું બારણું કે આ મતિભ્રમ દેશમાં ભૂલાં પડ્યાં
જો ; જરા પાછું વળીને સામટા વેરાય અણધડ કોડ ઓ વણઝારા.....રે

પિંડીએ શતશત જનમનો થાક લવકે કેટલાં જોજન રહ્યાં બાકી હજી....
ના, ચરણ બેબાકળાં તતકાળ પોકારી ઊઠે વિદ્રોહ ઓ વણઝારા.....રે


0 comments


Leave comment