16 - દરિયાઈ સ્પર્શનાં સંવેદનોનું ગીત / સંજુ વાળા


સ્હેજ તારી આંગળિયે સ્પર્શ જો દરિયો તો
દરિયાની ભાષા તું બોલે
પીડાનાં હાથવગાં આયખાને ભૂલી જઈ
મોતીને છીપ સાથે તોલે
દરિયાની તું ભાષા બોલે

ફીણ ફીણ જીવવાની પળ મળે તોય અમે
ભરપૂર જીવાયાનું માનશું
આપણે તો મોજાં ને પરપોટા કોણ ? કેવા ?
પૂરા – અધૂરાનું ભાન શું ?
ઈચ્છા’ળા ખડકોને ટકરાતી લાગણીઓ
ઘૂઘવતાં પાણીથી ઠોલે
દરિયાની તું ભાષા બોલે

હોઠોએ ચાખ્યો’તો સોમરસ – ઘૂંટ ત્યારે
પેટમાં પડી’તી ફાળ ફળફળતી
આજ એની યાદ, મારી નજરુમાં ફૂટેલાં
દ્રશ્યોની વચ્ચોવચ્ચ સળવળતી
ભીના ભચ્ચાક મંદ વાયરાઓ ઓઢીને
આળુ – ઉદાસ મન ડોલે
દરિયાની તું ભાષા બોલે.


0 comments


Leave comment