20 - છેલ્લી વેળાનું ગીત / સંજુ વાળા


અધવચ્ચે પાછા વળતા શ્વાસ સદંતર છૂટ્યા...

કાળે ઘોડે ફળિયા વચ્ચે કરી કારમી હાવળ
અકળાયેલો ખીલો છોડી ભાગ્યો તોડી સાંકળ
એક છલ્લાંગે લાલ લગામું મલમલપટ્ટા તૂટ્યા...

ફોરમતા ફંગોળે ચાલ્યો ભીંત પાછલી તોડી
કંકુવરણી ચારે ચૂડી હાથ પછાડી ફોડી
પાછોતર દિવસોનાં રેલા કપાળ કોરે ફૂટ્યા...

અધવચ્ચે પાછા વળતા શ્વાસ સદંતર છૂટ્યા...


0 comments


Leave comment