30 - સખીરી – ૨ / સંજુ વાળા


સખીરી, આજ પવનમાં ઓગળવાના
જાગ્યા અનહદ કોડ...
સખીરી, અધકાચેરી સમજણ ઝંખે
ભીનપવરણો મોડ...

ટપક ટપક ટપ ટપકે ઝીણી પેંજણથી થર્રાટી
અબરખિયા કાગળની થરથર થરકે રે રુવાંટી
સખીરી, ચોક વચોવચ કોણ પ્રવેશી
કરતું દોડમદોડ.....
સખીરી, આજ પવનમાં ઓગળવાના
જાગ્યા અનહદ કોડ...

તૂટે, નીંદર સાથે આંખો કરતી ખાંખાંખોળા
બાથ ભરું ‘ને છટકે કાળા અંધારાનાં ઓળા
સખીરી, પડી રહું નઘરોળ નીરખતી
શમણાં સોળ કરોડ.....
સખીરી, આજ પવનમાં ઓગળવાના
જાગ્યા અનહદ કોડ....


0 comments


Leave comment