56 - એકાન્તમાં / સંજુ વાળા


એકાન્તમાં ભીંતો સમયની ખોતરું
અંગત ક્ષણોની રજ ઊડે અવાવરું

ઈચ્છા જ તારી છે પછી વિકલ્પ શો ?
લે થાપ દે, બાંધી લીધું છે ઘૂંઘરું

હોવાપણું પ્રત્યક્ષ કરવા ગંધનું
પથ્થર ઉપર હું ફૂલ નિચોવ્યા કરું

ઘેરી વળે છે દોસ્ત ! ઉત્કંઠા – લગન
ત્યારે ગહન આવી મળે છે રૂબરૂ

ખિસ્સે ભરી લીધા ગ્રહો – નક્ષત્રો હવે
ચીરી પવનનાં પડ અગોચર કોતરું.


0 comments


Leave comment