35 - સખીરી – ૭ / સંજુ વાળા


આપું ઋત દિશા ‘ને નક્ષત્રોનાં નામ.....
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ

મેં કહ્યું : તું આરસ અથવા
ઝીણી જળવત ઘટનાઓની છબી
તેં પવનમાં આળેખીને
ચીંધી પળવત ઘટનાઓની છબી
સખીરી, ભૂરા – તૂરા - આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ

ચાર પ્રહરનું જળ ડહોળીને
નીલમણિ શી આંખ બની ગઈ કોડી
અલ્લપ - ઝલ્લ્પ અણસારાવત
તેજ લકીરે અધમણ મૂર્છા તોડી
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ
આપું ઋત દિશા ‘ને નક્ષત્રોનાં નામ.....


0 comments


Leave comment