6 - રાત રસાળે / સંજુ વાળા


બલમજી, અધમધ રાત રસાળે....
ધૂંઆંધાર ઘેરાતી ડમ્મર પાંપણ વચ્ચે સળવળતું એક ગામ
ગામની છાતી ઉપર કેસરિયાને દરિયો દરિયો રમતો ભાળી
જીવ પલળતો ધોમ ઉનાળે....
બલમજી, અધમધ રાત રસાળે.....

ટીપે ટીપે ટપકતો સંદેહ ઉછેરી
જંપી રહેલાં જળમાં મારી મેખ
નખ્ખ આંગળી શોધે એવાં
તરડાતાં દ્રશ્યોની વચ્ચે લંબાતી એક રેખ
અંદરથી ઊતરડી જાતી એકલતાની છાપ ધરીને પચરંગી
બીડું થઈ ફરતાં વગડાનો ઊઘડતો અપરંપાર ઝીલતી છાતી
રૂ – નાં અઢળક લોઢે ઉછાળે...
બલમજી, અધમધ રાત રસાળે......

કુલેરનાં કળશી ભુક્કામાં ભળી જવાનું સુખ
સાયબા રહેતું જોજન દૂ....ર
હાલે ડાળખી ફળિયે એના ઓછાયામાં
તરતાં વેરણ સાન – ભાન ચકચૂર
લવકારે લવકારે ધબકે સ્પર્શ બ્હાવરા શતશત ખટકે શૂળ
શૂળ તો પરભવનાં સથવારા જેવી અંગત મારી અકબંધતાને
રાઈ-રાઈમાં વ્હેંચી ડે સરવાળે...
બલમજી, અધમધ રાત રસાળે.....


0 comments


Leave comment