૨૯ - સખીરી – ૧ / સંજુ વાળા


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતા નર્યા સપાટી ઉપર જી... રે
સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ‘ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ‘ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની.


0 comments


Leave comment