4 - થાંભલી / સંજુ વાળા


થાંભલી તો એકલી અટૂલી
બારી પરસાળ ભીંત ઓરડો ને મોભ એકબીજામાં જાત/રાત
ગોપવીને જાય બધું ભૂલી......

ઓચિંતા આળ સામસામે ઝિંકાય
પછી તારતાર ચીંધામણ સોંસરવી નીકળે
ઓસરીની કોર લગી રેલાતું સુખ
હાથ લાંબા કરે ત્યાં ચડે પાદરનાં પીપળે
બારશાખ બોલે એ વાત બધી કેસરની દાબડીમાં હેમખેમ રહેતી પણ –
થાંભલીનું બોલ્યું ગૌધૂલિ......

પોતીકી સહુને સંભાળ મારે ઊંચકવા
તડકાળા ભાર’ – એમ વિચારે કુંભી
ખરતી ખડૂસ ભીંત બોલી કે –‘ભૂલીજા,
થોકબંધ ઝૂરવાનું રાજપાટ સુંઘી’
સાંભળીને પાડોશી મોગરાનાં છાંયડાને મન થયું :
થાંભલીની થામું અંગુલિ.....


0 comments


Leave comment