8 - કેસરભીની હથેળીમાં – / સંજુ વાળા


કેસરભીની હથેળીમાં બોળી....રે તર્જની
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

આંગળી નીચોવીએ તો રેલાતા ટાચકા
પણ કોઈ રીતે તૂટતું ના કળતર
અડિયલ ઉજાગરાનો જાંબુડિયો ગઢ
વાય વ્હાણું ને ખરી પડે ખર.... ખર...

ભીંત ભૂલીને દીવા બદલે પેટાવ્યો રે મણિ
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

આછેરી ઓળખેલી અણિયાળી ફૂંક
આજ વીંઝાતી કાચેરી વયમાં
સાંભરે ચટ્ટાક લાલ નીતરતા ડંખ
પછી રેબઝેબ ભીંસાવું ભયમાં
કોઈ સપરમી પીડાની ભોંકાતી તિર્યક અણી
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી

કેસરભીની હથેળીમાં બોળી....રે તર્જની
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી.


0 comments


Leave comment