46 - આદિથી અંતે…. / સંજુ વાળા


ચરણચિહ્ન તારાં મળે કાળખંડે
છતાં કેમ અટવાય છે વ્યૂહ મધ્યે ?

છડેચોક ફરતી નિગૂઢ વાયકાઓ
અલૌલિક પુરાવાની પગછાપ ઝંખે

બધે ચીતરેલાં જ જળ તગતગે છે
કહો કેટલું છે ઉતરવાનું ઊંડે ?

અલગ કરતી ઓળખનાં વસ્ત્રો ઉતારી
ચલો એક સાથે પલળીએ આ તડકે

સળંગાતી ક્ષણનાં રહસ્યો ઉકેલી
નિરાધાર ફસડાઉ અંગત અજંપે

અનાદિ તરફ આંગળી ઊંચકી ત્યાં
પડ્યા સોળ લીલા સુકુમાર અંગે

અસંખ્યોમાં ઊભા રહી આંખ મીંચી
ઘણીવાર પહોંચાયું આદિથી અંતે.


0 comments


Leave comment