21 - છેલબટાઉ કુંજમનનું ગીત / સંજુ વાળા


કુંજડી આંખોમાં ફૂટી રે પાંખો કે
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
જોયું રે... જોયું રે... એવું તે જોયું કે
આખ્ખુંયે આભ એણે ખોયું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

સાવ ઉજ્જડ ડાંગરનાં ખેતરમાં ખડકાતો પિચ્છાંનો ગઢ
હે...ઈ પિચ્છાંનો ખડકાતો ગઢ
ગેરુડી માટીમાં બર્ફિલી પાંખોનાં ફગફગતા સઢ
હે...ઈ ફગફગતા પાંખોનાં સઢ
માંડ માંડ ઉકલતા ચીંથરાનાં ચાડિયામાં
છેલબટાઉ કુંજમન મોહ્યું.......
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું....

છોળ છોળ છલકાતો શેઢાનાં મહુડાનો ખટમીઠો કેફ
હે...ઈ ખટમીઠો મહુડાનો કેફ
ટહુકાનાં હેલ્લારે ઊછળતો આવી ચડે પાદરમાં છેક
હે...ઈ પાદરમાં આવી ચડે છેક
લૂંબ – ઝૂંબ કેફખોર મહુડાનાં પાન ચાખી
ઉડાડી કલરવની છોળ્યું
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...


0 comments


Leave comment