25 - બિલોરી રંગની અનુભૂતિ / સંજુ વાળા


શ્વાસ પરિયંત મહેકે મલમલ : રંગ બિલોરી
અંધારે પ્રકટેલી અટકળ : રંગ બિલોરી

ઘૂઘવતું અજવાળું મારા
સાત જનમની નદીઓ
ભેર – ભૂંગળનાં નાદ વચાળે
ઊભા પહેરી સદીઓ
અધમધ રાતે સપનું મબલખ : રંગ બિલોરી
અંધારે પ્રકટેલી અટકળ : રંગ બિલોરી

લીંબોળી થઈ ભાન લટકતું
કલ્પતરુવર ડાળે
કેશગંધવય જાય પ્રસરતી
રેશમ સરવર પાળે
કંઈક/કશુંક અથવા તો અચરજ : રંગ બિલોરી
શ્વાસ પરિયંત મહેકે મલમલ : રંગ બિલોરી.


0 comments


Leave comment