26 - ઘંટડી / સંજુ વાળા


ભણકારે ઊભરાતી આખી સીમ
ઘંટડી રણકો તોયે શું ?
ક્યાં ગૌધૂલિ ? ક્યાં છે પગલાં ?
અડાબીડમાં ભટકો તોયે શું ?

ઊગમણી કેડી પર દીવો સળગાવીને
રાત વિતાવી રવ–અરવમાં ગીત ગાઈને
છેક પરોઢે પલાખ ફાટી
દદડી પડતી પીળી માટી
આંખ વધાવી લીધી ત્યારે
ચીંધાવું થઈ ઝબકો તોયે શું ?
ભણકારે ઊભરાતી આખી સીમ
ઘંટડી રણકો તોયે શું ?

સડેડાટ છાતીમાં ફૂટી બંજરતા... રે
ક્યાં ગઈ પેલી ખેતરછાયી કુંજરતા... રે
પાષાણી દરવાજો ખોલી
તૃણ સમી ચંચળતા ડોલી
ઓ ચંચળતા ! ઓ ચંચળતા !
સુક્કી વયને ચટકો તોયે શું ?
ભણકારે ઊભરાતી આખી સીમ
ઘંટડી રણકો તોયે શું ?


0 comments


Leave comment