19 - જીવગતિ / સંજુ વાળા


અરધું – પરધું જીવ્યા ત્યાં તો જીવને વાગી ઠેસ : જીવ તને ઘણી ખમ્મા
જીવજી જીવને વાવડ દેવા ચાલ્યા જીવને દેશ : જીવ તને ઘણી ખમ્મા

ઝરમર ઝરમર તડકે પલળ્યો મોઘમ માણી રાત : જીવ તને ઘણી ખમ્મા
સાવ અચાનક છાતી ઉપર વાગી જીવને લાત : જીવ તને ઘણી ખમ્મા

આકળ એની આંખો વિકળ સપનાઓ ઘેઘૂર : જીવ તને ઘણી ખમ્મા
એનઘેન પાંપણમાં ધસમસ ઈચ્છાઓનાં પૂર : જીવ તને ઘણી ખમ્મા

પીળી ધમરક પીડ પોટલી છલ્લક છલ્લક થાય : જીવ તને ઘણી ખમ્મા
મુઠ્ઠીમાં કાંઈ સંભારણાઓ ચપટીભર લઈ જાય : જીવ તને ઘણી ખમ્મા

ઓછપનું તગતગતું આંસુ આંખે એક ઠરેલ : જીવ તને ઘણી ખમ્મા
ક્યાં પહોંચે છે કાગળ કોઈને તેડાંનોય લખેલ : જીવ તને ઘણી ખમ્મા

દખ્ખણ પાદર ઊભી આંબલી અપલક જોતી વાટ : જીવ તને ઘણી ખમ્મા
બાકી રહેલા મનોરથોએ ખાધી... રે પડછાટ : જીવ તને ઘણી ખમ્મા

અરધું – પરધું જીવ્યા ત્યાં તો જીવને વાગી ઠેસ : જીવ તને ઘણી ખમ્મા
જીવજી જીવને વાવડ દેવા ચાલ્યા જીવને દેશ : જીવ તને ઘણી ખમ્મા.


0 comments


Leave comment