40 - બળવાખોર તણખો / સંજુ વાળા


તાપણું છોડી અને ભાગી છૂટેલો એક બળવાખોર તણખો
આ રહ્યો હમણાં લખેલી વારતાનાં અંતમાં આવેલ ફકરો

એક માણસની સમજ લગ પહોંચતાં વીતી ગયેલાં કૈક વરસો
એક પછી એક અટકળમાં ડૂબી રચતાં રહે ઘેઘૂર વડલો

પગ થયા પાણી છતાં સંદર્ભ સ્થળનો સ્હેજ પણ ફરતો નથી કાં ?
શાપ છે કેવી ગતિનો કે સતત વમળાય છે થઈને ભમરડો

તપખીરી મિજાજને ફટકારેલા આદેશની કંઇ ક્યાં ખબર છે ?
કઈ રીતે સમજાય એના ગર્ભમાં ઉછરી રહેલી તીવ્ર અસરો

તાળવે બાઝી રહેલા સ્વાદમાં રમમાણ આખું વિશ્વ હો, ત્યાં—
કોણ આ બાહુ પ્રસારીને ચીખે છે : હે સનાતન રૂપ ! પ્રગટો

સાંવરા ! ખૂશ્બૂ ખરીદી લાવવા વાચા અમે વેચી દીધી છે
શું વદું ? જ્યાં આંખ ઓગળતી રહે છે ‘ને કપાળે ધોમ ધખતો.


0 comments


Leave comment