1 - પરભવમાં પેઠું રે….. / સંજુ વાળા


સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગ વહેતું રે.....

તાર તાર રણઝણતું ત્રમ... ત્રમ....
આંખ ખૂલી ગઈ ત્રીજી
જોયું ‘ને અણજોયું ચારેકોર થપાટો વીંઝી
અંગૂઠાનું જોમ છેક પરભવમાં પેઠું રે.....

ખરી જતું ખરબચડું, ખારું
ભાન છલાંગો મારી
રડ્યાખડ્યા રાજીપે આવી ભરચક પોઠ ઉતારી
એમ થયું કે લાવ રે પાછું મીંઢળ પહેરું રે.....

ગાંઠ વળે લોહીમાં, વહેવું
નખ ફોડી ઢોળાતું
ઘેન ઘમકતી ઘૂઘરીઓનું ચડતું રાતું રાતું
વીંટી વળતી લહેરો ઉપર આજ વધેરું રે.....

સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગ વહેતું રે.....


0 comments


Leave comment