72 - અક્ષરાને સંબોધન / સંજુ વાળા


આવે અને જે જાય તે બળકટ બધાં આવેગથી સ્પર્શું તને હે અક્ષરા !
આપી શકે શું નામ તારી ધ્રાણ અથવા રંગ અથવા સ્વાદને હે અક્ષરા !

પર્યાપ્ત છે કારણ : ગઝલનું મૂળ પેલી માછલીની આંખમાં અકબંધ છે
હું સ્તબ્ધ, પારાવારને કાંઠે ઊભો તાક્યા કરે છું જાળને હે અક્ષરા !

ભેદી હકીકતનું બનાવી કોચલું તેં હાથમાં ધારણ કર્યું હો – તો હવે
પડકાર આ કાગળ ઉપર કુંઠિત થયેલી વ્યંજનાની ધારને હે અક્ષરા !

આ સાંજનું આકાશ હો મારી પીડાનાં કારણોનું જન્મદાતા તો પછી
વહેલી સવારે કોણ આવીને જગાડી જાય છે ઈતિહાસને હે અક્ષરા !

લે ફૂંક કો’ આહલાદપ્રેરક સૂરનો આલાપ મારા અસ્થિનાં પોલાણમાં
ઉદીપ્ત સૌ સંવેદનાઓ ગીરવે મૂકીને આવ્યો છું કને હે અક્ષરા !


0 comments


Leave comment