74 - તંગ પણછ પર – / જયેન્દ્ર શેખડીવાળા


તંગ પણછ પર અંધારું મૂકી પૂર્વજનું
અનાગતના દ્વારે ફેંકુ તીર,
ઓધાનવતી માતાની ક્ષણને તાકું,
પૂર્વજની ટોળીની વચ્ચે હરતું ફરતું એક મરશિયું તાકું,
તાકું, ગાડું એક રગશિયું તાકું,
તાકું મારો તેજતાંતણો અબ્દ,
આંખોમાંનો શબ્દ.
ઘૂઘવે છે ચોધાર આંખનું અંધારું રે
અંધારામાં ફરફરતો અજવાસ
શ્વાસ નામનું ટોળું લઈને ફરવા નીકળ્યો
અનરાધારે
જીવ ઝૂલણવત્ પ્રાસ,
પડછાયા પોબાર પડ્યા ને
અંધારાની છાયા સળગી –
મારામાંથી પંચમહાભૂત નામે નગરી અળગી
અળગું થાતા પડછાયાનું સગપણ
અમને નાભિમાંથી વ્હેર્યા.
દર્ભનગરના દ્વાર વિશેથી અજવાળાએ ઘેર્યા
મારા નામે શ્વાસ હવે તો તે પણ
ફરફર ફરફર
મારા નામે શ્વાસ હવે તો તે પણ
મર્મર મર્મર
મારા નામે શ્વાસ હવે તો તે પણ
ઝળહળ ઝળહળ
મારા નામે શ્વાસ હવે આકાશ.
અનર્ગળ શ્વાસ અરે, આકાશ ફેલાતાં
સમરથનાં જળબિંદુમાં જઈ ફેલે
બિન્દુમાંથી સિન્ધુ પ્રગટે,
પ્રગટે રે ચોધાર પૂર્વજની હદ તોડી;
ભ્રુણની ગગરી ફોડી
હાથ જરી લમ્બાવું
ત્યાં તો નક્ષત્રોની માટી મારા હાથમાં ઝૂલે
કૈંક ચન્દ્રનાં પગમાં પ્હેરું ઝાંઝર
ને હું
કૈંક સૂરજનાં તિલક કરું
ને
બાહુ મારા લગરીક પ્રસરી બ્રહ્માંડોનાં બ્રહ્માંડોને ભીંસે –
આજ હવે હું તને મળું છું
તારા રૂપે તને મળું છું
સાવ, અનર્ગળ તને મળું છું
કપાસમાંના સૂતર જેવો તને મળું છું
તંગ પણછ પર તને મળું છું.


0 comments


Leave comment