70 - પરિષત્સત્કાર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(ઝૂલણા ગીત)

નવલ યુગનો દિસે સૂર્ય આજે ઉદિત,
હિંદ સંતાન ઉલ્લસિત ફરતાં :
બાલ વીરો અને પ્રૌઢ વીરો સહિત,
વીર માતા તણા વૃંદ સરતાં !
આદરો સંઘનું કાર્ય ઉછરંગમાં,
આર્ય સંસારનું સુખ વધારો :
પૂજીએ પરિષદે પુનિત પગલાં અમે,
બંધુઓ ને બહેનો પધારો !

પરિષદો છે પુરાણી પ્રથા આપણી,
નવલ આનંદ શો આજ રેલે !
સર્વનાં નયનમણિ દીપ્તિમય ભાસતાં,
હૃદયનાં રંગ શા રાસ ખેલે !
કેળવો દેશમાં દિવ્ય શિશુવાટિકા,
સજ્જનો ! પ્રથમ નિજ ઘર સુધારો !
પૂજીએ પરિષદે પુનિત પગલાં અમે,
બંધુઓ ને બહેનો, પધારો !


0 comments


Leave comment