12 - પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


મોહ્યો હું દગથી, દગે નમન ના કીધું પછી કોઇને,
“ગાંભીર્ય, દ્રઢતા, અને સરલતા “તારાં, સખે ! જોઇને;
ગર્વોન્મત્ત થયો, ખરી ફરજ કૈં ભૂલ્યો, પડ્યો ગહ્વરે,
સ્નેહી માનવ ! સાથ તું પણ પડ્યો એવો જ ! શું તું કરે ?

હાવાં કૈં સ્મૃતિસાગરે લહરમાં આંસુ મિલાવી અને
હૈયાને ન્હવરાવતો, પણ સખે ! ના રે પુરાણું બને :
છે તારૂં જ તથાપિ : નિર્મલ નહીં, તોયે ખરૂં : રાખતું
વાત્સલ્ય પ્રતિબિંબ આત્મગહને રે’શે હમેશા છતું !


0 comments


Leave comment