22 - વિધુર કુરંગ / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


શશી નિરખતો, અને ગગન મધ્ય ઊંડી કરી;
સુદૂર દગથી કુટુંબરત તારલાઓ ફરી;
સુધા વરસતી બધે, નહિ જ ભગ્ન હૈયા પરે,
ફરે, તરફડે, ઠરે નહિ જ, દેહ શાથી ધારે !

प्रिया प्रियतमा गता ! જગત સર્વ ઝાંખું થયું,
ગયું સુખ, ગયું બધું, ન પણ જીવવાનું ગયું;
તજી ગઈ વિલાસિની નિજ કુરંગને, શાવને,
સુતો મૃદુલ બાલ તાત ચરણે, ન માતા કને !

હતી કઠિન ભૂમિ શૃંગખનને સુંવાળી જરા,
ગ્રહેલ રસનાગ્રથી શયન પાસના કાંકરા;
દિસે રજકણો શમ્યા સ્ખલિત બાષ્પથી પાસમાં,
કરે તદપિ શૈત્યનું હરણ ઉષ્ણ નિ:શ્વાસમાં !

નહીં હૃદયની ભણી હૃદય એહ હાવાં વળે,
નહીં નયનને ફરી નયન તે પ્રિયાનાં મળે;
કુરંગ હતભાગ્યને ભવ અરણ્ય યાત્રા રહી,
કર્યા કરવી એકલાં, વિવશ જીર્ણ અંગો વહી !

દિશા કઇ ભવિષ્યની ન કંઇ ભૂત તે સૂચવે,
પડી વિકટ વર્તમાન કુહરે રહેવું હવે;
પડી ઉચરવું, રડી ઉચરવું ઠર્યું સર્વદા :
પ્રિયા ! હૃદયદેવતા ! પ્રિયતમા ! સખી નર્મદા !

કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે,
દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે;
નહીં સ્વજન તે :સખી ! સ્વજન એકલી તું હતી,
સહસ્ત્રશત શલ્યમાં હૃદયની પથારી થતી !


0 comments


Leave comment