20 - રતિને પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


રસમય બન્યો કૈં કૈં ક્રીડા પ્રદર્શનથી પ્રિયે !
વિવશ કરવા, સ્પર્શે સ્પર્શે સગર્વ મથી પ્રિયે !
નવલ મધુરા હાસ્ય હૈયું દ્રવી શરણે ગયું,
रति વિરમવું દેવી ! હાવાં બચાવ બહુ થયું.

મૃદુ મદભર્યા ગાત્રો ત્હારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું !

અધિક સુખના કાર્ય આજે નિયોગ ઠરે જરા,
વિતત કરવી પક્ષો કાન્તે ! પ્રવાસ પરે જરા !
ઉડુગણ હજી ભાસે વ્યોમે સ્હવાર પડે નહીં,
ત્યમ વિચરવું વેગેથી ત્યાં વિમોહમયી મહીં !

નિજ સદનમાં શય્યા મધ્યે નિહાળીશ મિત્રને,
ચપલ દગથી જોશે શોધી સમાગમ ચિત્રને;
પ્રહર પણ આજે વીતે તેજ એક જ અંતનો,
જનન દિન છે આજે ત્હારા પ્રિયે ! બલવંતનો !

સ્ફુરિત કરજે સ્વપ્નું આવું સખી ! હળવે રહી-
સુહૃદ પળતો રાત્રિમાં જ્યાં પરિક્રમણે વહી !
વિમલ કુસુમો વર્ષે હરશે સુમિશ્રિત વિસ્મય,
ત્વરિત નિરખે ત્યાં બાલા બે રસાલ નવી વયે.

લલિત નમનેથી ‘આયુષ્માન્’ થવા વરદાન દે,
“જય જય” તણાં મીઠે કંઠે વળી વચનો વદે;
કરી અભિનયે અંગોની કૈં સુકોમલતા છતી,
જલધિજલના તારાઓમાં પડી ઉતરી જતી.

સ્વન મધુરતા વાદ્યે જેવી પ્રશાન્ત થતાં વધે,
પરિમલ જતાં આઘે અંગો મહીં પ્રસરે બધે;
સહજ હળવે તેથી રીતે પ્રબોધ થવો ઘટે,
અસર સુખની ઉંડી જેથી નહીં સહસા મટે !

રવિકિરણને રંગી લેજે મનોહર રંગમાં !
મૃદુ પવનમાં મોજાં દેજે સુશીતલ સંગમાં !
વિજય સરખો દર્શાવીને મહોત્સવ સૃષ્ટિએ !
પ્રણય ઠરતો જોજે હર્ષ પ્રકાશિત દ્રષ્ટિએ !

નજર જ પડે તેવામાં જો કદી પ્રતિમા ભણી,
તરત બદલી દેવી તારે પ્રભા નયનો તણી;
વદન હમણાં સામે જાણે હસી અભિનન્દશે,
પ્રકટિત થતા સ્નેહ સ્નેહી સખા અભિનન્દશે.

શુચિ હૃદયના સૌહાર્દોની સખી ! અધિદેવતા !
પ્રણયમય આ વિશ્વે બાલે ! ત્હને સહુ સેવતા;
રતિરસ બધે રેલાવીને ફરી વળજે પ્રિયે !
સદય રહીને ક્યારે ક્યારે મ્હને મળજે પ્રિયે !


0 comments


Leave comment