82 - પ્રિયા કવિતાને આશ્વાસન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(પુષ્પિતાગ્રા અને દ્રુતવિલંબિત)

“અરર મુજ હશે નસીબ કેવૂં
નથી મળતું ક્યંહિ માન હાય!” એવું
કહી પછી ચરણો વિશે પડે છે,
પ્રિય કવિતા મુજ વેગથી રડે છે.

બહુ જ વિસ્મય ખેદ મને થયો,
તદન સ્તબ્ધ જ મૂઢ બની ગયો;
પણ પછી ઝટ શાન્ત જરા કરી
નિજ પ્રિયા સરખી હૃદયે ધરી.

રહી પણ ગઈ એ જરાક છાની
બહુ દિલગીર હું થાઉં એમ માની;
મુજ મુખ ભણી નેત્રને લહે છે,
અતિશય આર્ત્તસ્વરે પછી કહે છે :-

“દિલ દયા ધરી માફ કરો મને
દુખી થઇ કરું છૂં દુખી આપને;
અરર જીવિત આમ ભલે જતું,
સહન, નાથ, નથી મુજથી થતું.

ગુણ નથી મુજ માંહિ એક સારો,
નિજ મનમાં, પ્રિય પ્રાણ, એ વિચારો;
તદપિ પ્રણય શીદને કરો છો,
મુરખ પ્રિયાપર ચાહના ધરો છો.

વિષમ ટેવ પડી મુજને ખરે,
હૃદય ને બહુ માન ગમે અરે !
ગુણવિના પણ કેમ જ એ મળે ?
મફત નિર્બળતા થકી શું વળે ?

નથી નથી નથી યોગ્ય હૂં તમારે
જીવતર આ નથી રાખવું જ મારે;
મનથી લઇ રાજા હવે મરૂં છૂ,
પણ તમને પ્રિય મુક્ત હૂં કરું છું.”

નયનથી બહુ નિર મને વહે,
હૃદય શબ્દ કહો ક્યમ આ સહે ?
વચન તો મુખથી નવ નીસર્યું,
તદપિ ચુમ્બન મેં હળવે કર્યું.

ધડક ધડક થાય હાય છાતી,
ધીરજ રહી મુજનીય સાવ જાતી;
વદનકમલ જોઇને કહું છું,
નજર ઠરાવી ત્યહાંજ હૂં કહૂં છૂં:-

“કદર અવર શું જનો પિછાને ?-
મન મહીં એ ધરી, શોક કોણ આણે ?
ઉભય મળી મને ખુશી કરો છો,
પર પરવા શીદ અન્તરે ધરો છો.”

મધુર શબ્દ થકી ખુશ મેં કરી,
દિલગિરી મનની સઘળી હરી;
કરી વીદાય કહી બહુધા અને,
વિરહથી બળતી વનિતા કને.


0 comments


Leave comment