38 - ગાનવિમાન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


સખી ! એ દૂર માનસનાં મને સપનાં ભાસે :
હવે થાક્યો બની લાચાર પલ્વલના વાસે !

વસ્યો વર્ષો ઘણાં : વર્ષો ઘણાં ધોયાં ગાત્રો :
ન પોષી પ્રાણને હાવાં શકું ઘરડે ઘાસે !

દૃગે દૃગ સ્નેહની તારા સમી ઝાંખું તારી :
નહીં પણ પાંખની શક્તિ હવે મારા શ્વાસે !

રહ્યું કર્તવ્ય પણ ના, જો ! સલૂણો આકાશે,
તરે કલહંસ તારો નિર્મલે હસતો હાસે !

પ્રિયે ! પ્રેરાય જો તવ દિવ્ય ગાનવિમાન હાવાં,
ગ્રહી ઉડી શકું પ્હોંચું પછી ક્ષણમાં પાસે !


0 comments


Leave comment