36 - પ્રણયની ખાતર જ પ્રણય / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(મિસિઝ બ્રાઉનિંગનાં એક કાવ્ય ઉપરથી)

સખે ! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
વિના બીજા માટે નહિં, નહિં જ આવું મન કહી :
“સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એક સરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું !”
બધા એ ચીજો તો પ્રિયતમ ! ફરી જાય, અથવા
તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે ! થાય વખતે !
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ નહિં, સખે ! સ્નેહ કરતો :
રહે “કાંકે” તારી નિકટ, ચિર આશ્વાસન લહે,
ખુવે તે એ પ્રીતિ, સદય ! નિજ આંસુ વિસરતાં !
ચહો વ્હાલા ! માટે પ્રણય જ તણી ખાતર મને :
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા !


0 comments


Leave comment