18 - અશ્રુને આવાહન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


બધે આ વેળાએ ગહન સરખી શાંતિ પ્રસરી,
વહી ચાલી રાત્રિ, જગ સકલને નિદ્રિત કરી;
કર્યા કોટી યત્નો, બહુ બહુ ઉપાયો પણ વળી,
તથાપિ મારી તો, અરરર ! હજી આંખ ન મળી !

મળે એ શી રીતે ? નથિ હૃદય પ્હેલા તણું હવે,
બન્યું એ તો બીજું : બહુજ બદલાયું અનુભવે;
હવે સૂવા દેતું નથિ શયનમાં તુર્ત પડતાં,
નીશાઓ ગાળું છું અતિશય ઘણી વાર રડતાં !

અરે ! એનો એ હું, બહુ વખત વીતી નથિ ગયો,
હતો કેવો ! આજે, અરર ! પણ આવો ક્યમ થયો !
જરા નહોતી ચિંતા, હૃદય સુખમાં રોજ રમતું,
ખુશીથી, સૌ રીતે, સકલ વખતે, સર્વ ગમતું !

અરે ! આજે તો આ રુજ હૃદયત્તે દારુણ દમે,
બહુ રાખું ધૈર્ય, પ્રબળ પણ આઘાત ન ખમે;
નહીં આવે આંસુ, કઠિન બલ સાંખી ક્યમ શકું,
નથી ગ્રાવા છાતી, અશરણ હવે હું નહિ ટકું !

અરે ! આવો, વ્હાલા ! અવર નથિ આધાર જ રહ્યો,
વહો, આંસુ મીઠાં ! વિષમ ભર જાતો નથિ સહ્યો;
તમે ચાલો, વર્ષો, નયન થકી ધારા થઇ પડો,
બધે, અંગે અંગે, સુહૃદ સરખાં સત્વર દડો !

રહ્યાં છોજી મારાં શિશુપણું હતું તે સમયથી,
વિનંતીને મારી કદિ પણ અકારી કરી નથી;
ઘણી વેળા ભીંજી તનુકુસુમને સૌમ્ય કરતાં,
શમાવીને હૈયું તરત વળી સ્વસ્થાન સરતાં !

નથી પાસે કોઇ પ્રિય હૃદયને શાંત કરવા,
ધરી સાથે છાતી જ્વલિત મહિં પીયૂષ ભરવા;
વહો માટે હાવાં, વિવશ બનતાં હું કરગરું,
તમે ચાલો વ્હાલાં ! સ્ફુટિતઉર આવાહન કરું !

ખરે ! ત્યાં તો સ્નેહી સદય દિલમાં દૂર ઉછળ્યાં,
ચડયાં ઊંચે વેગે, ઉભય નયનો અંદર મળ્યાં;
પડી ધારા ધોળી અમૃત સરખી શીતલ હવે,
નહી થાતાં ઓછી પ્રચલિત રહી, તાદ્રશ જવે !

વિચાર્યું મેં, વસ્તુ પ્રણય સરખી છે નહિ અહીં,
પ્રતીતિ કીધી, કે ફલ લવ નથી જીવન મહીં;
હજારો વાતોનાં સ્મરણ ગહને જ્યાં પડી ગયો,
રહ્યાં એ અશ્રુ તો નહિ, તદપિ નિદ્રાવશ થયો !


0 comments


Leave comment