48 - કાર્ડિનલ ન્યૂમેનની પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ઓ સ્નેહજ્યોતિ ! દોરો : દોરો : દોરો રે મને :

આસપાસ અંધાર છે, રજની કાળી ઘોર :
દૂર રહ્યો ઘરથી ઘણો, પગમાં લેશ ન જોર !
ઓ સ્નેહ જ્યોતિ ! દોરો : દોરો : દોરો રે મને !

પદરક્ષા કરજો, પ્રભો ! પદ પર પાડી પ્રકાશ :
એક જ પદ માગું, નહીં આગળનો અભિલાષ !
ઓ સ્નેહ જ્યોતિ ! દોરો : દોરો : દોરો રે મને !

ન હતો આવો સર્વદા, ન હતો પ્રાર્થત આમ :
દોરો, તાત ! દયા કરી, પહોંચું જેથી ધામ !
ઓ સ્નેહ જ્યોતિ ! દોરો : દોરો : દોરો રે મને !

માર્ગ નિરખવા ચાહતો, પસંદ કરવા તેમ :
પણ હાવાં પ્રાર્થું, પિતા ! દોરો આપ જ એમ !
ઓ સ્નેહ જ્યોતિ ! દોરો : દોરો : દોરો રે મને !

0 comments

Leave comment