35 - સ્નેહ માટે સ્વર્ગત્યાગ/ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(મિસિઝ બ્રાઉનિંગનાં એક કાવ્ય ઉપરથી)

સખે ! એવું છે શું ? મરણ મુજ શું સત્વર થતાં,
તને ઓછું આવે કંઈ પણ પછી જીવન મહીં ?
અને શું આ મારે શિર કબરમાં ભેજ પડતાં
તને ઝાંખાં લાગે રવિકિરણ કાલાંતર અહીં ?

સદા તારી તોયે હૃદયગત આવી થઇ શકું;
નહીં એ જાણેલું :તદપિ ક્યમ હાવાં જઈ શકું ?
અરે ! મૂકી દે રે મરણ પરથી, જીવ ! મમતા !
અને હાવાં, પ્રેમી ! પ્રણય વરસાવી નયનથી,
પ્રિયાની સામે જો; શ્વસન કર મારા મુખ પરે !
અને જે બાલાઓ પરમ પદવી અર્પણ કરે,
ઝમીનોની સાથે, પ્રણયસુખની ખાતર મથી,
કરું હું એ તેવું : કબર દઇ આપી, જગતમાં
રહું તારી સાથે, નયન પરનું જીન્નત તજી.


0 comments


Leave comment