81 - સ્વર્ગગંગાને તીર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(અનુષ્ટુપ અને મંદાક્રાંતા)

સખે સ્વપ્ન થયું પુરૂં ચાલી ગઈ વિભાવરી;
શું હવે સંભળાવું હું, નહિ જોઉં ફરી ફરી.

કાલે રાતે મુજ શયનમાં અપ્સરા એક આવી,
યંત્રો થોડા નવિન કરમાં રાખીને સાથ લાવી;
મારા સામું ક્ષણ નિરખિને પ્રત્યભિજ્ઞા લહે છે,
ધીમે ધીમે મધુર વચનો આ પ્રમાણે કહે છે.

‘વિમાન લઈને સાથે, આવી છું આપની કને,
સ્વર્ગમાં ફરવા ચાલો, આજ્ઞા છે બાઇની મને.’

ઊભાં મારા તનુપર થયાં હર્ષથી સર્વ રોમ,
આવ્યું શબ્દો પ્રિયકર સુણી દેહમાં ખૂબ જોમ.
તેનાં યંત્રો ઉપર હળવે થાઉ છું હું સવાર,
ઊંડું ઊંચે તદપિ નિરખું સૃષ્ટિસૌંદર્યસાર.

પર્વતો થાય છે નાના, રસા બાલક જેવડી;
સરિતા સર્વ મુક્તાની માલાઓ હોય તેવડી.

જોતામાં તો થઇ ગઈ સખે પૃથ્વી અત્યંત ન્હાની,
બીજા સર્વ ગ્રહગણ વિષે ઓળખું એહ શાની !
આવ્યો ત્યાં તો પરમ સુખને આપનારો પ્રદેશ,
સાહિત્યોની વિવિધ સુખનાં જ્યાં નહીં ખામી લેશ.

પૂર્ણ ચંદ્ર પ્રકાશે છે, વરસે છે સુધા સદા,
અંતરિક્ષ વિશે ગાય અપ્સરાઓ પ્રિયંવદા.

વૃક્ષોમાંથી પરિમલ લઈ વાયુ જે સંચરે છે,
સ્થાને સ્થાને હૃદયકમલો હર્ષથી તે ભરે છે,
મીઠો મીઠો રવ કરી કરે પક્ષિઓ સર્વ ગાન,
ક્રીડા કેરાં સદન નિરખી છેક ભૂલાય ભાન.

“બીજું જોવા નહીં દેવું આજ્ઞા છે એમ આકરી,
માટે આપ વળો આમ, કવિરાજ, કૃપા કરી.”

લીધો રસ્તો પ્રિય સખિ તણું વાક્ય એ સાંભળીને,
છોડી દીધું અવર સઘળું અન્ય માર્ગે વળીને;
થોડી વારે પવનલહરી આવવા માંડી શીત,
ધીમું ધીમું શ્રુતિ પર પડ્યું દૂરથી કોઈ ગીત.

સાંભળી વિકૃતિ મારી આંખોમાં સહસા થઈ,
ઓળખ્યો સ્વર મેં એવું અપ્સરા સમજી ગઈ.

દેખાયો ત્યાં મધુર સ્વરના જન્મનો દેશ પાસે,
ઘાટાં વૃક્ષો મહિં પણ જહીં ચન્દ્રિકા સ્પષ્ટ ભાસે;
જોયો દ્રષ્ટિ સ્તિમિત કરીને સ્વર્ગગંગાપ્રવાહ;
જેથી મારો ઝટ શમી ગયો ગૂઢ મર્ત્યત્વદાહ.

દર્શાવે છે કરી ક્રીડા શકુન્તો મનનો રસ,
સજોડ પુલિનો પાસે રમે છે હંસ સારસ.

આંખોમાંથી મુખપર પડે જેમનું બાષ્પપૂર,
તે પોતાની પ્રિય સહચરી પાસ નાચે મયૂર;
ધોળાયાં છે પ્રણયરસથી જેમનાં ચક્ષ્વપાડ્ડગ,
રાત્રીમાંયે અનુભવ કરે હર્ષનો ત્યાં રથાડ્ડગ.

પશુઓ પક્ષિઓ વૃક્ષો પવનો પ્રસ્તરો સહુ,
ખૂબીદાર અહીં લાગે, દીસે આનંદમાં બહુ.

ધોળાં ધોળાં શશિકિરણ જે તોય સાથે ગળે છે,
તેથી તેણે સરસ વધતી શ્વેત શોભા મળે છે;
વચ્ચે વચ્ચે સ્મરણ કરવા યોગ્ય દ્વીપો જણાય,
પાણી સાથે રતિ સમયનાં ભૂષણો ત્યાં તણાય.

પરિવર્તન પામે છે ચીજો ત્યાં આસપાસની :
જલમાં રચના જોશો તરુ-તારક-ઘાસની.

એ સૌ શોભા તજી દઇ હવે ધ્યાન બીજે જ જાય,
આહા ! પાસે મધુર રવ એ વીણનો સંભળાય;
જાદુ જેવા અજબ ગુણથી વૃત્તિઓ મૂઢ થાય,
ઝાઝું તો શૂં પણ અવયવી ચેતનાએ ભૂલાય.

સ્વરથી થઈને લુબ્ધ વાયુ એ મંદ વાય છે;
વીણા દ્વારે ખરે કોઈ મોહિનીમંત્ર ગાય છે.

થોડે થોડે પરવશ થયું, સર્વ મારૂં શરીર,
દ્રષ્ટિ ઝાંખી, જડ બની જતાં દૂર દેખાય તીર;
પાસે આવ્યું સ્થલ તદપિ તે મેં નહીં કાંઇ જાણ્યું,
શુદ્ધિ માંહી મુજ મન પછી અપ્સરાએ જ આણ્યું.

જ્યાં હું આંખો ઉઘાડીને ઊતરુ છું વિમાનથી,
અરે રે, હાય ! એમાંનું મારી સામે જરા નથી.

નીચે ઊંડો શ્રુતિપથ થકી ઉતરીને ફરે છે
ઝીણો મીઠો વિરલસ્વર, એ ચિત્તમાં શું કરે છે ?
ક્યાં એ સર્વે અજબ રચના આંખથી જાય ઊડી ?
એની કેમે ખબર ન પડે શોકમાં જાઉં બૂડી !

કેની પાસે હતું જાવું અપ્સરા કોણ એ હતી,
એ વિચાર વિશે મારી હજી મૂંઝાય છે મતિ.

જાણું છું કે સ્વર અજબ એ હું જરા ઓળખું છું,
તોયે શાંતિ નહિ હૃદયને થાય એવો જ હું છું;
ઝાઝાં વર્ષો પર શ્રુતિપથે જે પડ્યો હોય, હાય !
એનો એ છે – ખચિત જ – સખે, એમ શાથી જણાય !

સ્વપ્ન અદ્દભુત એ મારૂં લંબાયું હોત જો કદા,
સર્વ નિશ્ચય થાતાં તો સંતોષી રે’ત સર્વદા.

રે ! હું ક્યારે ફરી નયનથી સ્વર્ગગંગા નિહાળું !
જ્યોત્સ્ના તો એ ટળી ગઈ-થયું પાસ અંધારૂં કાળું.
દુર્ભાગી હું શયન પરથી હાય ! નીચે પડું છું;
પાછું આવે નહિ તદપિ તે સ્વપ્નને હું રડું છું.

જાણું છું નામ હું તોય જણાવું કેમ આપને,
અનુમાન જ હોવાથી બહુ સંદેહ રે’ મને.


0 comments


Leave comment