39 - મિત્રને નિવેદન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


વદને બહુ નીર ભરાય, સખે !
તનુ ચેતન માત્ર હરાય, સખે !
જલને પડદે સઘળે નિરખું :
નિરખું નહિ નેહ જરાય, સખે !

કર વ્હાર, સખે !
કંઇ સાર, સખે !
હૃદયામૃત માર્દવધાર, સખે !

ભવમાં તવ એક સહાય, સખે !
નયનો દ્વયને જ ચહાય, સખે !
નવ ઐહિક આશ, હૃદા સહ જો
હૃદયે થકી સિંધુ તરાય સખે !


0 comments


Leave comment