10 - વસંત વિજય / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


“નહીં નાથ ! નહીં નાથ ! ન જાણો કે સ્હવાર છે !
આ બધું ઘોર અંધારૂં હજી તો બહુ વાર છે. “

હજારો વર્ષો એ વચન નિકળ્યાને વહી ગયાં,
ખરે ! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં;
સહુ માદ્રી : પાંડુ તરત જ પિછાને ઉચરતા,
વટી જોકે વેલા નિરવધિ શતશૃંગ ફરતાં.

ગિરિના પ્રાંતમાં કોઇ બાંધી પર્ણકુટી દ્વય,
બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.

નિદ્રા પ્રશાંત જરિયે ન હતી થયેલી,
દુ:સ્વપ્ન દર્શન મહીં જ નિશા ગયેલી;
“ખુલ્લા પ્રદેશ પર જૈ ફરૂં થોડી વાર,”
ઊઠ્યો નરેંદ્ર મનમાં કરી એ વિચાર.

ધીમે શયનને છોડી જરા એ બ્હાર જાય જ્યાં,
“નહીં નાથ ! નહીં નાથ !” શબ્દો એ સંભળાય ત્યાં.

“પ્રિયે માદ્રી ! શું છે ? નથી નથી જતો સ્નાન કરવા,
વહી નિદ્રા, માટે અહિં તહીં જરા જાઉં ફરવા;
મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હંમેશાને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.

ન જવાનું કહી દેવી નિદ્રાવશ થઇ હતી;
જાગતિ ક્ષણ રોકાઈ ફરી પાછી ગઈ હતી !

“સારૂ થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત,
સાચી બિના નહિ જ રાખી શકાત ગુપ્ત;
સંતોષથી નૃપતિ થાય હવે વિદાય,
છે અંધકાર, પણ ભૂલ જરા ન ખાય.

કંસારી તમરાંઓના અવાજો આવતા હતા :
સ્થલ કાલ છતાં શાંત બંનેને ભાવતા હતા !

વહે થંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,
ઘણા થોડા આજે ઉડુગણ પ્રકાશે ગગનમાં;
હજી એકે પ્રાણી ગિરિ મહિ નહીં જાગ્રત દિસે,
વંધે અંધારામાં નરવર અગાડી વન વિષે.

ત્યાં જવું હતું તે આવ્યું સર સુંદર પાસનું;
આપ્યું હતું પુરા જેણે નામ “માદ્રી વિલાસ”નું.

ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય,
જોતાં જ તર્ક નૃપના ક્યહિએ તણાય;
બેસે શિલા ઉપર ચાલી સચિત રાય,
ઊંડા વિચાર મહિ છેવટ મગ્ન થાય.

અનિદ્રા શ્રમથી તેનો ધૈર્યભ્રંશ થયો હતો;
પૂર્વનાં સ્મરણો માંહીં ઘણો કાલ ગયો હતો.

થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,
ઉઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે;
જવા માંડ્યું સર્વે સ્થલમહિંથી અંધારું ઝટ જ્યાં,
પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં !

કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે;
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે !

વૃક્ષો અદ્રશ્ય સઘળાં નઝરે પડે છે :
ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છે :
એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે,
ઊંચાં પ્રચંડ શિખરો નભને અડે છે.

“અરે ! શું આટલો કાલ નિષ્કારણ વહી ગયો !’
સદ્ય એવું કહી રાજા સ્વસ્થાનેથી ઊભો થયો.

ઉઠી જોતાં શોભા બહુ જ બદલાયેલ નિરખી :
ડગ્યું પાછું ધૈર્ય, સ્મરણ મહિં આવી પ્રિય સખી :
“નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને !
અરેરે શેની શી અનુભવ કરૂ છું અસર એ !”

સૃષ્ટિસૌંદર્યને જોતાં કૈં રોમાંચ થયું હતું;
ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયું હતું;

ઉડે, દોડે, એવી જલચર કરે ગમ્મત ઘણી,
નિહાળી તે, જોયું વળી પછી જરા પર્વત ભણી :
ગમી ના એ વૃત્તિ, હૃદયરસથી સંયમ ચડ્યો,
“થઇ ન્હાવાવેળા,” નૃપતિ કહી એવું મહિં પડ્યો.

સ્નાનથી થઇને શાંત પડ્યો એ નિત્યકર્મમાં;
જતાં રાગ બની વૃત્તિ પાછી તદ્રૂપ ધર્મમાં.

પૂરૂં કરી તરત તે સ્થલને તજે છે,
ઇચ્છા વિરુદ્ધ દ્રઢ આગ્રહને સજે છે :
“શાને થવું પતિત આશ્રમધર્મનાથી
સૌંદર્ય શું ? જગત શું ? તપ એજ સાથી.”

જઈ આશ્રમમાં લે છે નિત્ય માફક ભોજન;
ઇચ્છે પછી જરા નિદ્રા પૂર્ણ વીસરવા વન.

ઉઠ્યો થોડી વારે નૃપતિ જ્યમ નિદ્રા કંઇ લઇ,
મનોવૃત્તિ તેવી સ્થિર, વિમલ ને સાત્વિક થઇ;
જઈ થોડે છેટે પછી અનુભવે શીતલ હવા,
પડે દ્રષ્ટિ માટે વન તરફ લાગે નિરખવા !

અક્ષુબ્ધ હૃદયે જોઇ રચના એ ઋતુ તણી :
મળવાને પછી ચાલ્યો બીજી પર્ણકુટી ભણી.

માદ્રી જ માત્ર હતી હાજર એહ વાર,
કુંતા ગયેલ કંઇ કારણથી બહાર;
માતા સતી નકુલને સહદેવની એ,
હા ! તાપસી નૃપની સાથ હતી બની એ.

ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું;
નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.

“નથી શું કુંતાજી ? નહિ અરર આંહીં રહી શકે
પ્રિયે તું એકાકી ? સ્વજન વિણ વૃત્તિ ક્યમ ટકે:
ખરે ત્યારે આનો અનુભવ જરા આજ કરીએ,
જરા આ પાસેના ઉપવન વિષે કાંઈ ફરીએ”

પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વિસરી ગયો :
મટી તાપસ એ પાછો ભર્તા-સ્વામી-ખરે ! થયો !

શાંતિ મહીં નહિ થયો કંઇ ફેરફાર,
તેથી જ હાલ નૃપતિ વિસર્યો સ્હવાર :
માદ્રી નહીં કરી શકી કંઇએ નકાર :
જાણેલ હોય કદિ શું વિધિના પ્રકાર?

પૂર્વાશ્રમ તણી બુદ્ધિ પાછી આવી ગઈ હતી :
ફરે સાંપ્રતને ભૂલી વનમાં સાથ દંપતી.

વહી જતાં ઝરણાં શ્રમને હરે,
નિરખતાં રચના નયનો ઠરે :
મધુર શબ્દ વિહંગ બધાં કરે,
રસિકનાં હૃદયો રસથી ભરે !

વસંતે સ્થાપેલું પ્રબળ નિજ સામ્રાજ્ય સઘળે,
નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;

બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી,
જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીત્પ કરતી.

ઉછળ્યું લોહી તેથી એ સાવધાન થયો નહીં :
સ્ત્રીસંગે નર્મગોષ્ઠિમાં વધે છે વનની મહીં.

ઉત્તુંગ નમ્ર સહકાર દિસે ઘણાય,
લાખો વળી અગુરુ ચંદન ત્યાં જણાય;
વૃક્ષો, લતા, સકલ કૈંક અપૂર્વ રંગ,
જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ ?

ફરતાં ફરતાં આવ્યો એક માલતિમંડપ;
પ્રવેશ સતીની સાથે કરે છે તે મહીં નૃપ.

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઇ ડોલતો વાયુ,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ :
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય :
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ.

“સાંભળ્યું મોહ પામીને હવે કોકિલકૂજન :
પ્રિયા પંચમ વૃષ્ટિથી નહાવાનું થાય છે મન.”

જરા શંકા પામી, તદપિ નહિ કાંઇ કહી શકી,
વળી એવી ભીતિ નૃપવદન જોતાં નહિ ટકી;
નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે,
વિચારી એ માદ્રી તરત જ જરા કૈં શરૂં કરે,

દિવ્ય રાગ શરૂં થતાં બન્યું શાંત બધું વન;
લોહચુંબકથી જાણે ખેંચાયાં સર્વનાં મન.

માધુર્ય એ ઉછળતું ક્યહિં ના સમાય,
હા ! કેમ આ હલક અંતરથી ખમાય;
સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી,
ભેટી રહ્યાં સ્વર વિષે દઇ વૃત્તિ જોડી !

ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છે :
હાય ! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે !

સંગીતામૃત વર્ષતાં પ્રથમ તો આનંદ વ્યાપી ગયો;
સાથે એક કરૂં પ્રિયાહૃદયને આવેશ એવો થયો;
ખંચાયો પણ વેગ પૂર્ણ કરતાં, આવી સ્થિતિની સ્મૃતિ,
રાખે અંકુશ, તોય સ્પષ્ટ વપુમાં દેખાય છે વિકૃતિ.

નિહાળી નૃપને રાજ્ઞી જરા ગાતાં રહી ગઇ;
હાય રે ! ઉલટી તેથી તેની શાંતિ વહી ગઇ !

“પ્રિયે ! માદ્રી ! આહા ! સહન મુજથી આ નથી થતું,
નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું;
ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા,
છટાથી છોડી દે ! અરર ! ક્યમ રાખે નિયમિતતા !”

વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો;
અપૂર્વ ધ્વનિથી પૂરો મદોન્મત્ત થયો હતો :

“સખી ! દેવી ! વ્હાલી ! સ્વરૂપ તુજ આજે બહુ દિસે,
ખરે ! રંભા જેવી રસમય અહીં નંદન વિષે :”
નિહાળે વર્ષાવી પ્રણયરસ બંને નયનથી,
જરા ધાસ્તી પામે સતી પણ હવે હાય ! મનથી.

ગીત પૂર્ણ થતાં રાજા જાય છે પાસ કૈં મિષે;
“ક્ષમા-પ્રાણ નહીં,” બોલી; લે છે એને ભુજા વિષે !

“રે હાય ! હાય ! નહિ નાથ નહીં,” કહીને,
છૂટી જઇ ભુજા થકી અળગી રહી તે;
હા ! દીન દ્રષ્ટિ કરી એ નિરખી રહે છે,
દુઃખે ભર્યા નયનથી નૃપને કહે છે :-

“ડરૂં છું, ભય પામું છું, જોઇને આજ આપને :
અરે ! કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને ?”

બહુ બ્હીતી બ્હીતી થરથર થતી એ કરગરે,
નથી ઓછી થાતી વિકૃતિ નૃપની તોપણ, અરે !
“ઘટે છે શું દેવી ! હૃદય પર આ નિર્દય થવું ?
અરેરે ! આ આવું પ્રબળ દુખ ! મારે ક્યહિં જવું ?

“પ્રિયા ! પ્રિયા ! પ્રિયા ! તારા હાથમાં સર્વ હાય રે !
ત્વરાથી દેહ જોડી દે : આ તો નહિ ખમાય રે !

“જાણું બધું,પણ દિસે સ્થિતિ આ નવીન :
મારૂં નથી બલ, બન્યો જલ બ્હાર મીન :

દેવી ! વિચાર કરવા સઘળા તજી દે :
રે હાય ! સ્પર્શસુખ, પ્રાણસખી ! હજી દે !”

વિચાર કરવા જેવો હવે વખ્ત રહ્યો નહીં;
ઝંપલાવી પડી માદ્રી નરેંદ્ર ભુજની મહીં.


નહીં ચાલે આથી ગત સમયમાં દૂર હૃદય :
પડ્યા શબ્દો છેલ્લા શ્રુતિ પર બહુ મંદ સદય.
જરા ત્રૂટ્યાં વાક્યો કંઇ કંઇ થઈને રહી ગયાં :
હજારો વર્ષો એ પછી પણ હવે તો વહી ગયાં !


0 comments


Leave comment